શું આ વ્યાજબી છે ?

સમાન કામ સમાન વેતન અંતર્ગત જરા વિચારજો.


એક સાચી વાર્તા

એકજ શાળામાં એક સિનિયર શિક્ષક કે જે સુપરવાઈઝર છે જેનો માસિક પગાર ૫૦૦૦૦ થી ૬૦૦૦૦ છે. જેને બે બાળકો તથા માબાપ છે. જેનો વર્કલોડ સુપરવાઈઝર હોવાને નાતે અઠવાડિયાના ૧૮ થી ૨૦ તાસ છે જ્યારે બીજો શિક્ષણ સહાયક ૯૪૦૦ રૂપિયા ઉચ્ચક વેતન મેળવે છે જે પણ બે બાળકો તથા માતાપિતા સાથે રહે છે. જેનો વર્કલોડ અઠવાડિયાના ૩૩ થી ૩૫ તાસ છે.

બંને માટે બજારમાં ખરીદીની બધી વસ્તુના ભાવ સરખા છે. સિનિયર માટે ડુંગળી ૯૦ રૂપિયાની કિલો તો શિક્ષણ સહાયક માટે પણ ડુંગળી ૯૦ રૂપિયાની કિલો. આજ રીતે અન્ય બધી જીવન જરુરિયાતની વસ્તુઓ માટે બજારમાં ભાવ સરખા છે. મોંઘવારી બંને શિક્ષક માટે સમાન છે. દૂધ બંને શિક્ષક માટે ૧ લિટરના ૫૦ થી ૫૫ રૂપિયા છે.
ગુજરાતમાં બજારમાં એવી કોઈ દુકાનો નથી કે જેમાં ફૂલ પગારવાળાના ખરીદીના ભાવ અને ફિક્સ પગારવાળાની ખરીદીના ભાવ જુદા જુદા હોય. તેલ - પેટ્રોલ - ડીઝલ કે કોઈપણ વસ્તુના ભાવ બધા માટે સમાન છે.

તો શું કાયમી શિક્ષક કે કોઈપણ કાયમી કર્મચારીને મોંઘવારી નડતી હોય તો પછી ફિક્સ પગાર વાળા કોઈપણ કર્મચારીને બજારૂ મોંઘવારી નડતી નથી ?
કાયમી કર્મચારીના પગારમાં ૧૦ % મોંઘવારી વધારો થાય તો શું ફિક્સ પગારવાળા કર્મચારીઓ મોંઘવારી વધારા માટે હકદાર નથી ? સરકાર દ્વારા જ્યારે મોંઘવારી વધારો થાય છે ત્યારે ૫૦૦૦૦ થી ૬૦૦૦૦ રૂપિયા પગાર લેતો કે જેનો વર્કલોડ ઓછો છે તે હરખાય છે અને તે દિવસે સમાચારપત્રમાં તે સમાચાર ત્રણથી ચાર વખત વાંચે છે અને મૂછમાં હસે છે જ્યારે અન્ય ફિક્સ પગારવાળો મિત્ર કે જેનો વર્કલોડ ઘણોજ છે અને સતત પરસેવો પાડે છે તે સમાચાર સાંભળી રડી પણ શક્તો નથી.
સમાન કામ સમાન વેતનના કુદરતી સિધ્ધાંતના નિયમ મુજબ તો તેઓ ફિક્સ પગાર તેમજ તેના લેબલથી જ પહેલાંથી જ માનસિક યાતના ભોગવે છે અને એમાંય મોંઘવારી વધારાનો માર તેમની યાતનાઓમાં ઉદીપકીય વધારો કરે છે.
આ પ્રશ્ન અંતર્ગત રાત્રે જમ્યા પછી શાંત ચિત્તે ખુરશીમાં બેસી પેટમાં રહેલા અન્ન ઉપર હાથ ફેરવી જરા વિચારજો હોં કે .......

આ પોસ્ટ અંગે આપની કોમેંટ્સ આવકાર્ય છે.

(સંદર્ભ જીતુભાઈ ગોજારિયા)

 
Top