છતાંય, જો બાળકોને અંગ્રેજીમાં ભણાવવાં છે તો

      એક સત્ય : ગુજરાતના અગ્રણી ચિંતક ગુણવંતભાઈ શાહના શબ્દોમાં કહીએ તો કોઈ અંગ્રેજી બાળકને ગુજરાતી માધ્યમમાં ભણાવી જુઓ પછી ખબર પડશે કે આપણા બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવું એ કેટલું ગેરવ્યાજબી કૃત્ય છે ! વાતમાં દમ છે. આજે અંગ્રેજીની ઘેલછાને કારણે મોટાભાગનાં માબાપ પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો મોહ રાખે છે. એમનું ગણિત એવું છે કે આજના સ્પર્ધાત્મક યુગમાં અમારું બાળક અંગ્રેજીના અભાવે પાછળ ન રહી જાય. પણ કોણે કહ્યું કે અંગ્રેજીમાં પારંગત થવા માટે અંગ્રેજી માધ્યમમાં ભણાવવું જરૂરી જ છે ? અને કેટલી કહેવાતી અંગ્રેજી માધ્યમની શાળાઓ અંગ્રેજી સ્પીકિંગ શાળાઓ છે ? અંગ્રેજી માધ્યમની શાળાઓમાં કાર્યરત શિક્ષકોનું અંગ્રેજી નજીકથી જોયા પછી છાતી ઠોકીને કહી શકાય કે જ્યાં કૂવામાં જ નથી ત્યાં હવાડામાં કેવી રીતે આવી શકે ! માતૃભાષામાં બાળક સરળતાથી જ્ઞાન ગ્રહણ કરી જ શકે છે.
બીજું સત્ય : ભાષાવિજ્ઞાનના ક્ષેત્રે જે સંશોધનો થયાં છે એ એવા નિષ્કર્ષ ઉપર પહોંચ્યાં છે કે માનવદિમાગમાં MAD કાર્યરત છે. MAD એટલે મલ્ટિલેન્ગવેજ એક્સેસ ડિવાઈસ. આ અઘરી લાગતી વાતને સરળ રીતે કહેવી હોય તો એ રીતે કહી શકાય કે બાળક એક સાથે એક કરતાં વધુ ભાષાઓ આસાનીથી શીખી શકે છે. ટી.વી. ઉપર મોટાભાગની કાર્ટૂન ચેનલો હવે તેમના કાર્યક્રમો હિંદીમાં ડબ કરીને રજૂ કરે છે અને આપણે જોઈએ છીએ કે આપણાં બાળકો ટીવી ઉપરથી કાર્ટૂન સિરિયલો જોઈને વધુ ઝડપથી અને સરળતાપૂર્વક હિંદી બોલવા માંડે છે. હા, એક દલીલ થઈ શકે કે હિંદી અને ગુજરાતી એક જ સ્ત્રોત (સંસ્કૃત)માંથી આવતી હોવાથી વધુ સરળતા રહે છે છતાં પણ એ હકીકત છે કે એક કરતાં વધુ ભાષાઓ જો બાળકને સારા વાતાવરણમાં એકસાથે આપવામાં આવે તો વૈજ્ઞાનિક દષ્ટિકોણથી કોઈ વાંધો આવતો નથી. પણ હા, એક કરતાં વધુ ભાષાઓ શીખવી અને એક ચોક્કસ ભાષાને માધ્યમ બનાવી ભણવું-ભણાવવું એમાં ખાસ્સું અંતર છે.


આપણું સત્ય : તો પછી આપણે માનવું શું ? આપણાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા કે નહીં ? દરેક સત્ય સત્ય હોય છે. ખરેખર તો અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો વિચાર જ પરદેશી છે. છતાં મુદ્દો ચર્ચવો પડે એવો તો છે જ. બાળક માતૃભાષામાં સરળતાથી ભારરહિત થઈ જ્ઞાન ગ્રહણ કરી શકે છે અને એ એટલું જ સત્ય છે જેટલું એ કે બાળક એક સાથે એક કરતાં વધુ ભાષાઓ ગ્રહણ કરી શકે છે અને બોલી શકે છે. પણ જો બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવું જ છે તો નીચેની બાબતો ઉપર ધ્યાન આપવું પડશે. જો તમે નીચે જણાવેલ બાબતો માતા પિતા તરીકે કરી શકો એમ હો તો તમને છૂટ છે તમારા બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા દેવાની. ફરીથી કહું છું, જો નીચે લખેલી શરતો પૂરી કરી શકતાં હો તો જ.
[1] જો તમારું અંગ્રેજી માતાપિતા તરીકે નબળું હોય અને તમે ઈચ્છતા હો કે તમારે બાળકને અંગ્રેજી માધ્યમાં ભણાવવું છે તો એની શરૂઆત તમારાથી જ કરવાની છે. આ શરૂઆત બાળકને અંગ્રેજી માધ્યમની શાળાના પગથિયે ચડાવ્યા પછી કરવાની નથી. આ શરૂઆત તમારે એ દિવસે કરવાની છે જે દિવસે તમે નક્કી કરો છો કે તમારે બાળક જોઈએ છે.
[2] એનો અર્થ એ થયો કે બાળકને શાળાએ મૂકો એનાં ચાર વર્ષ પહેલાંથી તમારે તમારી જાતને અંગ્રેજીમાં સજ્જ કરવાની શરૂઆત કરવી પડશે. જો આ વાત વાહિયાત લાગતી હોય અને તમારા બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂકશો તો તમારા બાળકને તમે ઘોર અન્યાય કરી રહ્યાં છો.
[3] જો માતા પિતા અથવા બેમાંથી કોઈ એક સ્વયં અંગ્રેજી આસાનીથી બોલી શકે છે તો તેઓ બેધડક તેમના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવી શકે છે. એનું કારણ એ છે કે જાણેઅજાણે આવું બાળક એક કરતાં વધુ ભાષાઓ શાળાએ જાય એ પહેલાં શીખવાનું શરૂ કરી જ દે છે. આવા બાળકમાં અંગ્રેજી ભાષાનું શબ્દભંડોળ, વાક્યરચના અને વ્યાકરણ સહજ સ્વાભાવિક રીતે ઊતરે છે. બાળકને ભાષાકીય મૂંઝવણ નડતી નથી.
[4] જો તમે બાળકના જન્મના ચાર વર્ષ પહેલાંથી તમારી જાતને અંગ્રેજીમાં ક્રમશઃ સજ્જ કરી રહ્યાં હશો તો તમે પણ બાળકને અંગ્રેજી શબ્દભંડોળ, વાક્યરચના અને વ્યાકરણની કુદરતી ભેટ આપશો. બાળકને ખબર પણ નહીં પડે કે એ એક કરતાં વધુ ભાષાઓ શીખી રહ્યું છે.
[5] જો તમે એવું માનતા હો કે બાળકનું ટ્યુશન રખાવી દઈશું, આપણે અંગ્રેજીમાં સજ્જ થવાની ક્યાં જરૂર છે ? તો તમે ખાંડ ખાઈ રહ્યા છો. ટ્યુશનમાં સિલેબસ પૂરો કરવામાં આવે છે. ટ્યુશનમાં એવું ધ્યાન રાખવામાં આવતું નથી કે બાળક સ્વાભાવિક રીતે અંગ્રેજીમાં જે તે વિષયનું જ્ઞાન ગ્રહણ કરે અને કોણે કહ્યું કે ટ્યુશન કરાવનારા શિક્ષક-શિક્ષિકા અંગ્રેજી ભાષામાં સજ્જ છે ?
[6] જો તમે સ્વયં અંગ્રેજીમાં આવતાં બાળકો માટેના મેગેઝિન વાંચી શકતાં હો, જો તમે સ્વયં બાળકો પાસે બેસી આવાં મેગેઝિન કે વાર્તાની ચોપડીઓ વાંચી શકતા હો તો જ તમને અધિકાર છે તમારા બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો.
[7] તમારું બાળક અંગ્રેજી ભાષાની કોઈ સમસ્યા લઈને તમારી પાસે આવે અને જો તમે હલ કરી શકો અથવા હલ કરવા પ્રયત્ન કરી શકો તો તમને અધિકાર છે તમારા બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો.
 
Top